VIDEO: વડોદરાના માંજલપુરમાં લારીનું પૈડું પગ પર ચડતાં બોલાચાલીમાં આધેડ પર જીવલેણ હુમલો
સોર્સ : gstv
વડોદરાના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં નજીવી બાબતે લારીચાલકે આધેડ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાકભાજી ખરીદીને ઘરે પરત ફરી રહેલા રવિન્દ્રભાઈના પગ પર લારીનું પૈડું ચડી ગયું હતું. જેથી તેમણે લારીચાલક પ્રેમદાસ ગૌતમને લારી સંભાળીને ચલાવવા કહ્યું હતું. આ સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા લારીચાલકે આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં રવિન્દ્રભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસે આરોપીના ઘરે પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

