Video/ સાયલાના ચોરવીરા ગામે જમીન વિવાદમાં યુવાનની હત્યા, કાકા અને પિતરાઈ ભાઈ સામે ફરિયાદ; ત્રણ સંતાનોએ ગુમાવ્યા પિતા
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીનના મનદુઃખને કારણે એક યુવાનની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 12 વીઘા જમીન બાબતના વિવાદમાં થયેલી ઝપાઝપી દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જેને પગલે યુવાનના કાકા અને પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતો
ચોરવીરા ગામના મુન્નાભાઈ વહાણભાઈ મારુણિયાની (ઉં.વ. 35). જમીન વિવાદમાં હત્યા થઈ છે. આશરે 12 વીઘા જમીન બાબતનું મનદુઃખ બાબતે વિવાદ થયો હતો.
આરોપીઓએ જમીન ખાતે કરાવવાના બહાને મુન્નાભાઈને ઘરે બોલાવ્યા હતા. જ્યાં અગાસી પર તેમની સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન મૃતક યુવાન 12 ફૂટ ઊંચી અગાસી પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઇજા થતાં મુન્નાભાઈને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ હત્યાને કારણે મુન્નાભાઈના ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
પોલીસ કાર્યવાહી અને કાયદો વ્યવસ્થા પર સવાલ
મૃતકની પત્ની કિરણબેનની ફરિયાદના આધારે સાયલા પોલીસે આરોપી કાકા અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. સાયલા તાલુકામાં એક વર્ષમાં હત્યાની આ ચોથી ઘટના બનતાં સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

