Video/ Surendranagarમાં દુધરેજ પાસે નર્મદા કેનાલનો પુલ આજે પણ ચાલુ ન થયો, લોકાર્પણ માત્ર જાહેરાત બનીને રહ્યું!
સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ પાસે આવેલા નર્મદા કેનાલના પુલનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે આ પુલનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ રંગરોગાન સહિતનું કામ અધૂરું રહેતા પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાયો નથી. આ કારણે છેલ્લા ચાર મહિનાથી પુલ બંધ હોવાથી લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
રોજના 10 હજારથી વધુ વાહનચાલકો પરેશાન
આ પુલ સુરેન્દ્રનગર શહેરને 40થી વધુ ગામો સાથે જોડતો મુખ્ય માર્ગ છે. પુલ બંધ હોવાથી દૈનિક ધોરણે 10 હજારથી વધુ વાહનચાલકોને લાંબા અને મુશ્કેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે છે.
કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવામાં સતત વિલંબ થતા સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષની લાગણી જન્મી છે. જાણવા મળ્યા મુજબ, હજુ પણ પુલનું સંપૂર્ણ કામકાજ પૂરું થવામાં પાંચ દિવસ જેટલો સમય લાગી શકે છે.
એમ્બ્યુલન્સ અને ST બસો પણ પ્રભાવિત
આ પુલ બંધ હોવાને કારણે માત્ર સામાન્ય વાહનચાલકો જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓ અને જાહેર પરિવહનને પણ ગંભીર અસર થઈ રહી છે. એમ્બ્યુલન્સ અને ST બસો પણ સુરેન્દ્રનગર તરફ સમયસર આવી શકતી નથી, જેના કારણે 40થી વધુ ગામોના લોકોને જીવન જરૂરિયાતની સેવાઓ માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

