Video/ તરણેતરની પવિત્ર ભૂમિ પર, ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડ્રોમાં ડાન્સરના અશ્લીલ ઠુમકા
સુરેન્દ્રનગર: ઝાલવાડની શાન અને વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો જ્યાં ભરાય છે, તે પવિત્ર ભૂમિ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. તરણેતર મંદિર અને અનસૂયા આશ્રમ જેવા આસ્થાના કેન્દ્રો ધરાવતી આ પાવન ભૂમિ પર આયોજકોએ મર્યાદા નેવે મૂકી અશ્લીલ નૃત્યનું આયોજન કરતા ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભક્તિના બહાને અશ્લીલતાનો પીરસાયો ખેલ
મળતી માહિતી મુજબ, તરણેતર ખાતે 'કૃષ્ણ ગૌશાળા' અને 'અનસૂયા આશ્રમ' ના લાભાર્થે એક ઇનામી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌસેવા અને ધાર્મિક હેતુ માટે લોકો પાસેથી નાણાં એકઠા કરવાના બહાને યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લબ ડાન્સરોને સ્ટેજ પર ઉતારવામાં આવી હતી. આ ડાન્સરોએ હિન્દી ફિલ્મોના દ્વિઅર્થી ગીતો પર બીભત્સ ઠુમકા લગાવીને પવિત્ર વાતાવરણને દૂષિત કર્યું હતું.
વારંવાર બનતી ઘટનાઓથી રોષ
તરણેતરની આ પવિત્ર ધરતી જ્યાં ઋષિમુનિઓના તપ અને ભગવાન શિવનું સાનિધ્ય છે, ત્યાં અગાઉ પણ મેળા દરમિયાન આવા ડાન્સના કાર્યક્રમો થયા હોવાની ચર્ચાઓ છે. ત્યારે ફરી એકવાર ઇનામી ડ્રોના નામે ગ્રામજનો અને ભક્તોની હાજરીમાં આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા આયોજકોની માનસિકતા સામે સવાલો ઉઠી રહ્યા છે.
ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ
સ્ટેજ પર જ્યારે ડાન્સરો ઠુમકા લગાવી રહી હતી ત્યારે આયોજકો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા. ગૌશાળા જેવી પવિત્ર સંસ્થાના નામે આવા કાર્યક્રમો યોજીને આયોજકોએ લાજ-શરમ મુકી હોવાનું લોકો કહી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

