VIDEO: સુરેન્દ્રનગર મનપા સામે બિલ્ડરોનો હોબાળો: 17 નવી TP કાગળ પર મંજૂર પણ અમલ શૂન્ય, વિકાસના પૈડાં થંભ્યા!
VIDEO: સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના લોકોમાં સર્વાંગી વિકાસની આશા જાગી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમને મંજૂરી આપવામાં આવી હોવા છતાં તેનો અમલ ન થતા સ્થાનિક બિલ્ડરો અને ડેવલપર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
17 નવી TP માત્ર બજેટ પૂરતી સીમિત?
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વ્યવસ્થિત ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 17 નવી ટીપી સ્કીમ પાસ કરવામાં આવી છે. આ સ્કીમ્સને બજેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. જોકે, નવાઈની વાત એ છે કે આ પૈકીની એક પણ ટીપીને હજુ સુધી સૈદ્ધાંતિક રીતે અમલી કરવામાં આવી નથી. જેના કારણે શહેરનો જે દિશામાં વિસ્તાર થવો જોઈએ તે અટકી પડ્યો છે.
બિલ્ડરોની કમિશનરને ઉગ્ર રજૂઆત
બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કે.સી. શાહ અને અગ્રણી બિલ્ડર ઘનશ્યામ સવધરીયા સહિતના સભ્યોએ આ બાબતે સુરેન્દ્રનગર કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. બિલ્ડરોનું કહેવું છે કે, નવી ટીપી લાગુ ન થવાને કારણે નવી બાંધકામની પરમિશનો અને લે-આઉટ પ્લાનિંગમાં મોટી અડચણો આવી રહી છે. જો તાત્કાલિક ધોરણે આ ટીપી સ્કીમ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી અમલમાં મૂકવામાં નહીં આવે, તો શહેરનો વિકાસ પાછળ ધકેલાઈ જશે.
બિલ્ડરોએ આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકાની વહીવટી ઢીલાશને કારણે પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે, જેની સીધી અસર શહેરની અર્થવ્યવસ્થા અને રોજગારી પર પણ પડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે કમિશનર આ રજૂઆત બાદ કેટલા સમયમાં નવી TP સ્કીમ્સને મેદાનમાં ઉતારે છે.

