વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર પૂર્વે વિરોધના સૂર, AAP નેતા કમલેશ કોટેચાની અટકાયત, વિક્રમ દવેને કરાયા નજરકેદ
સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ પૂર્વે પાયાની સુવિધાઓ મુદ્દે મંત્રીને રજૂઆત કરવા જઈ રહેલા 'આપ'ના નેતાઓની પોલીસે અટકાયત કરતા રાજકારણ ગરમાયું છે. વહેલી સવારથી જ પોલીસ કાફલાએ નેતાઓના ઘર બહાર ધામા નાખ્યા હતા.
સુરેન્દ્રનગરની પાયાની સમસ્યાઓ જેવી કે પાણી અને રોજગારી મુદ્દે મંત્રીને મળીને રજૂઆત કરવા જવાની તૈયારી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિક્રમ દવેને પોલીસે વહેલી સવારથી તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા હતા. જ્યારે અન્ય અગ્રણી નેતા કમલેશ કોટેચાની પોલીસે અટકાયત કરી હતી. 'આપ'ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોલીસને આગળ ધરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
નજરકેદ કરાયેલા નેતા વિક્રમ દવેએ રોષે ભરાતા જણાવ્યું હતું કે, "સુરેન્દ્રનગરમાં 'નલ સે જલ' યોજના પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં લોકોના ઘરે પાણી પહોંચતું નથી. જો મંત્રી જિલ્લામાં આવતા હોય અને પાયાની સમસ્યાઓ પર વાત જ ન કરવાના હોય, તો આવી સમિટનો અર્થ શું? અમે લોકશાહી ઢબે રજૂઆત કરવાના હતા, પરંતુ સરકારે પોલીસને મારા ઘરની બહાર ગોઠવી દીધી છે.

