VIDEO: પાટડીમાં પાક નુકસાન અંગે રજૂઆત કરવા ગયેલા ખેડૂતોની અધિકારીઓએ વાત ન સાંભળતા રોષ ભભૂક્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનનો સર્વે કરવા તેમજ ત્વરિત સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂત હિતરક્ષક સમિતિ અને મોટી સંખ્યામાં ખેડૂતો પોસ્ટર સાથે પાટડી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ગત 23 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ થયેલા ભારે વરસાદને કારણે પાટડી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેમાં કપાસ, મગફળી અને તલ જેવા મહત્વના પાકોને વ્યાપક નુકસાન થવાની સાથે ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જો કે, રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતો સમક્ષ મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર હાજર ન રહેતા અને અધિકારીઓ દ્વારા કોઈ જ દરકાર ન લેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રના અધિકારીઓને ખેડૂતોની વેદના પ્રત્યે કોઈ જ પ્રવાહ નથી, ત્યારે જો સરકાર દ્વારા વહેલી તકે સહાય નહીં ચૂકવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

