સુરેન્દ્રનગર જિલ્લાના નવા કલેક્ટર તરીકે જી.એચ. સોલંકીની નિમણૂક, વિવાદોમાં ઘેરાયેલા તંત્રને પુનઃ ધબકતું કરવાનો પડકાર

Surendranagar news: ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરી ત્રણ આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લા માટે લેવાયો છે. છેલ્લા બે મહિનાથી ઈન્ચાર્જ કલેક્ટરના ભરોસે ચાલતા સુરેન્દ્રનગર જિલ્લાને હવે કાયમી કલેક્ટર તરીકે જી.એચ. સોલંકી મળ્યા છે.
ભૂતકાળનો વિવાદ અને જેલવાસ
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડના આક્ષેપો થયા હતા. ઈડી (ED)ના દરોડા બાદ અને ગંભીર ગેરરીતિઓની ફરિયાદના આધારે રાજેન્દ્ર પટેલ હાલ જેલવાસ હેઠળ છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લાનું વહીવટી તંત્ર જાણે સુષુપ્ત અવસ્થામાં આવી ગયું હતું.
બે મહિના બાદ કાયમી નિમણૂક
રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞિકને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જોકે, ઈન્ચાર્જ શાસનને કારણે કલેક્ટર કચેરીમાં હથિયાર લાયસન્સ, જમીન એન.એ. (NA) અને અન્ય મહત્વની ફાઈલોનો મોટો ભરાવો થયો હતો. અરજદારો છેલ્લા બે મહિનાથી વહીવટી કામકાજ અટકી પડવાને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા હતા.
જી.એચ. સોલંકી માટે પડકારો
નડિયાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનર તરીકે સફળ કામગીરી કરી ચૂકેલા જી.એચ. સોલંકી હવે સુરેન્દ્રનગરનો કાર્યભાર સંભાળશે. તેમની સામે સૌથી મોટો પડકાર વહીવટી તંત્રની ખરડાયેલી છબી સુધારવાનો અને પેન્ડિંગ પડેલી હજારો ફાઈલોનો ઝડપી નિકાલ લાવવાનો રહેશે. વિવાદિત ગણાતી કલેક્ટરની ખુરશી પર બેસીને ફરી એકવાર પ્રશાસનને પારદર્શક બનાવવાની જવાબદારી હવે તેમના ખભે છે.

