સુરેન્દ્રનગર: પ્રેમ પ્રકરણમાં યુવાનને 5 શખ્સોએ માર્યો ઢોર માર, કારમાં પણ કરી તોડફોડ

રાજ્યના સુરેન્દ્રનગર પાસે આવેલા સાયલાના ડોળિયા બોર્ડ પાસે મારા-મારીની ઘટના સામે આવી છે. રઘુ ભરવાડ નામના યુવાન પર જાહેરમાં ચારથી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સો યુવાનને અર્ધબેભાન હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા. યુવાનને હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર ફેક્ચર થયું હતું.
ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સાયલાની સરકારી હોસ્પિટલમાં દાખલ
ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સાયલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર રઘુ ભરવાડ દ્વારાકથી પરત ફરીને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ શખ્સોએ તેને ડોળિયા બોર્ડ પાસે રસ્તામાં આંતરીને રોક્યો હતો.
આ પણ વાંચો: નડિયાદ: વણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં બાઈક સવાર 3 યુવાનોના મોત
આ શખ્સોએ યુવાનની કારમાં તોડફોડ પણ કરી હતી, ત્યાર બાદ તેને ઢોર માર મારીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં સાયલા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણ મામલે સમગ્ર ઘટના સર્જાઈ છે.જો કે પોલીસ તમામ દિશા તરફ તપાસ કરી રહી છે.

