VIDEO: સુરેન્દ્રનગર: ૬.૫૦ કરોડના રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલાં જ પડી ગઈ તિરાડો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસ કામોમાં લોલમલોલ ચાલતી હોવાનો એક મોટો પુરાવો સામે આવ્યો છે. શહેરના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા રિવરફ્રન્ટનું હજી તો લોકાર્પણ પણ નથી થયું, ત્યાં જ આ નવનિર્મિત રિવરફ્રન્ટ પર ઠેર-ઠેર મોટી તિરાડો પડી ગઈ છે. આ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તિરાડો પર ડામર ભરી દેવાની એક અજીબોગરીબ નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે જોઈને સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે.આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જિલ્લા પંચાયતથી સાયન્સ કોલેજ સુધી અંદાજે રૂપિયા ૬.૫૦ કરોડના અધધ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લોકાર્પણ પહેલા જ બિલ્ડિંગ સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ દેખાવા લાગી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવા છતાં જવાબદાર સરકારી અધિકારીઓએ આ મુદ્દે રહસ્યમય મૌન સેવી લીધું છે, જેના કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

