VIDEO: તરણેતરના મેળાના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન, ગ્રામીણ ઓલમ્પિકની રમતો ન યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારા પ્રસિદ્ધ તરણેતર મેળા પર વરસાદનું વિઘ્ન સર્જાયું છે. ભારે વરસાદના પગલે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા મેળાની શરૂઆતના દિવસે યોજાનારી ગ્રામીણ ઓલમ્પિકની રમતોને અસર થઈ છે. મેળાના મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે પ્રથમ દિવસે ગ્રામીણ ઓલમ્પિકનું કોઈપણ પ્રકારનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને એથ્લેટિક રમત અને વિવિધ દોડની સ્પર્ધાઓ પણ ન યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રથમ દિવસે રમતો પર બ્રેક લાગી
સુરેન્દ્રનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વરસાદ અને મેદાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને કારણે ખેલાડીઓ અને રમતપ્રેમીઓને મુશ્કેલી ન પડે તેમજ મેદાનની સ્થિતિ સુધરે તે માટે પ્રથમ દિવસે સ્પર્ધાઓ યોજવામાં નહીં આવે. જોકે, કાલથી ચાર દિવસ માટે તરણેતર મેળો ખુલ્લો મુકવામાં આવશે. આમ, વરસાદના કારણે તરણેતર મેળાની શરૂઆતમાં જ વિઘ્ન આવ્યું છે અને પ્રથમ દિવસે રમતો પર બ્રેક લાગી છે.

