PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ

ભારતના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને મફત સારવાર મળે તે હેતુસર ભારત સરકાર PM JAY યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ લાવી હતી. પરંતુ આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓથી માંડી ખુદ ડૉક્ટરોએ આયુષ્માન કાર્ડને કૌભાંડો આચરી કમાણી કરવાનો સ્ત્રોત બનાવી દીધું છે.
ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ બીજી ઘણી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને લોકો પણ જાગૃત થયા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે છે, જેમાં સરકારી ગાયનેક હોસ્પિટલોના ડોક્ટરોને પ્રસુતાઓની નોર્મલ કરતાં વધુ સિઝેરિયન ડીલેવરી કરવામાં રસ ધરાવતા હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આ રીતે 15 મિનિટમાં બનતું આયુષ્માન કાર્ડ, PMJAY કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા
સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા પંચાયતના આરોગ્ય અધિકારી દ્વારા ચોંકાવનારા આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ખુલાસો થાય છે કે PM - JAY કાર્ડ આવ્યા બાદ પ્રસુતાઓની ડિલિવરીના કેસોમાં સિઝેરિયન ઓપરેશનમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવેલ આંકડા પ્રમાણે, એક વર્ષમાં કુલ 21,861 મહિલાઓએ ડીલેવરી કરાવી હતી તેમાંથી 6,151 ડીલેવરી સિઝેરિયન કરવામાં આવી હતી. તેમજ એક મહિલાનું એક વર્ષની અંદર ડીલેવરી દરમિયાન મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
અવારનવાર સિઝેરિયન પ્રસુતીના સમાચાર સાંભળતા કેટલાક જાગૃત નાગરિકોને શંકા ગઈ તેથી તેઓ સ્થાનિક તાલુકા પંચાયતના આરોગ્ય અધિકારી પાસે જઈ આ અંગે ચર્ચા કરી તો આરોગ્ય અધિકારીએ તપાસ કરતા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જેને લઈને સ્થાનિક આગેવાન તેમજ સિઝેરિયનનો ભોગ બનેલા પ્રસૂતાના સગા વ્હાલાઓનો આક્ષેપ છે કે સિઝેરિયન ડિલિવરીમાં ડૉક્ટરોને વધુ પૈસા મળતા હોવાથી ગાયનેક ડોક્ટરો સિઝેરિયનને વધુ ભાર આપે છે.

