VIDEO: સુરેન્દ્રનગરમાં પારિવારિક ઝઘડામાં પતિએ કરી પત્નીની હત્યા, ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં માનવ મંદિર નજીક પારિવારિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજેશ કાંઝિયાએ પત્ની સોનલબેન કોરડિયા પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં સોનલબેનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
હુમલામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે સોનલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

