સુરેન્દ્રનગર: પહેલીવાર એક સાથે 30 ગામોની સ્મોક ફ્રી વિલેજ તરીકે થઈ જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 30 ગામોને સ્મોક ફ્રી વિલેજ જાહેર કરવામાં આવ્યા છે. 160 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા વ્યસની વિદ્યાર્થીઓને પણ વ્યસમુક્ત કરવામાં આવ્યા છે. જેમાં શાળાઓની આજુબાજુમાં વેચાણ કરતી તમાકુ અને સિગારેટની દુકાનો અને પાનપાલર પર દરોડાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
200થી વધુ અધિકારીઓએ લીધા વ્યસન મુક્તિ અંગેના શપથ
સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા 200થી વધુ કલેક્ટર કચેરીના અધિકારીઓને પણ વ્યસન મુક્તિ અંગેના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ સાથે ટોબેકો મુક્ત થીમ પર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. રેલીમાં લોકોને તમાકુનો ઉપયોગ ન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
કોને કહેવાય સ્મોક ફ્રી વિલેજ?
સરળ ભાષામાં સમજીએ તો સ્મોક ફ્રી વિલેજમાં સમુદાય-આગેવાની હેઠળની પહેલ અને સ્થાનિક શાસન દ્વારા તમામ તમાકુ ઉત્પાદનોના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે. જેમાં જાહેર સ્થળોએ તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગામની અંદર વેચાણ પર પ્રતિબંધ મૂકીને જાહેર જાગૃતિ ઝુંબેશ ચલાવાય છે. સાઇનબોર્ડ મૂકાય છે સાથે વિવિધ કાર્યવાહી કરાય છે. તેનો ધ્યેય તમાકુના વપરાશને ઘટાડીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો હોય છે.

