Surendranagar: સવલાણા ગામમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ, બળજબરીનો આક્ષેપ, ભૂખ હડતાળની ચીમકી
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના સવલાણા ગામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામના રહેવાસીઓએ PGVCLની કચેરીએ એકઠા થઈને સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા સામે રોષ વ્યક્ત કર્યો અને આ મીટરો હટાવવાની માંગ કરી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, તેમની મંજૂરી વગર અને દાદાગીરી દાખવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે.
ઘરમાં પુરૂષો હાજર ન હોય ત્યારે મીટર ફિટ કરવામાં આવે છે
સવલાણા ગામના રહેવાસીઓનું કહેવું છે કે, PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રામજનોની સંમતિ લીધા વગર ઘરોમાં બળજબરીથી સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. ખાસ કરીને, જ્યારે ઘરમાં પુરૂષો હાજર ન હોય ત્યારે મહિલાઓ સાથે દબાણપૂર્વક વર્તન કરીને મીટર ફિટ કરવામાં આવે છે.
સ્માર્ટ મીટરના વિરોધનું મુખ્ય કારણ એ પણ છે કે, આ મીટરો લગાવ્યા બાદ ગ્રાહકોને જૂના મીટરની સરખામણીએ વધુ વીજ બિલ આવી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, સ્માર્ટ મીટરના કારણે તેમના રોજિંદા વીજ વપરાશનું બિલ અચાનક વધી ગયું છે, જેનાથી તેમના પર આર્થિક બોજ વધ્યો છે. આ ઉપરાંત, સ્માર્ટ મીટરની પ્રિપેડ સુવિધા ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે રિચાર્જ કરાવવું મુશ્કેલ બની રહ્યું છે.
ભૂખ હડતાળની ચીમકી
સવલાણાના ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો બળજબરીથી નાખવામાં આવેલા સ્માર્ટ મીટરો તાત્કાલિક હટાવવામાં નહીં આવે, તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે. ગ્રામજનોએ PGVCLના અધિકારીઓને આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે અને જૂના મીટરો પરત લગાવવાની માંગ કરી છે.

