સરકારના નિર્ણય સામે ગોધરામાં વિરોધ યથાવત, આવેદન આપ્યા છતાં હજારો સ્માર્ટમીટર ફીટ કરાયા

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ સત્ર દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જેનો થોડા દિવસ પહેલા ગોધરાના નાગરિકો દ્વારા વિરોધ કર્તાવમાં આવ્યો હતો. જેનો વિરોધ હજુ પણ યથાવત રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સરકારે સ્માર્ટ મીટર ફરજિયાત કરતાં નાગરિકોનો વિરોધ
રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાત કરતાં પંચમહાલના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત. રાજ્યના નાણામંત્રીની જાહેરાત પહેલા પણ ગોધરામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરને નાગરિકોના આવેદન પત્રો આપ્યા હતા જેના કારણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ નાણામંત્રીની જાહેરાત પછી 7000 સ્માર્ટ મીટર ગોધરામાં ફીટ કરી દેવામાં આવ્યા છે.
સ્માર્ટમીટરની ખામીઓ દૂર કરી મરજિયાત કરવાની માંગ
ગોધરાના નાગરિકોએ જણાવ્યું હતું કે, "ગોધરાના મોટા ભાગના વિસ્તારો પછાત છે. લોકો આર્થિક રીતે સક્ષમ નથી અને કેટલાય પાસે સ્માર્ટફોન પણ નથી. તેથી અહીં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય યોગ્ય ગણી શકાય નહીં. સાથે જ વીજ ગ્રાહકોની સ્માર્ટ મીટરની ખામીઓને લઈને અનેક ફરિયાદો પણ છે. જેથી તે દૂર કર્યા બાદ જ સ્માર્ટ મીટરને ફરજિયાત ને બદલે મરજિયાત કરી લગાવવું." આ તમામ આક્ષેપો સાથે ગોધરાના નાગરિકોએ ફરી એક વખટ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

