Surendranagar/ દહેજની લાલચે લીધો પરિણીતાનો જીવ, સાસરિયાના ત્રાસથી યુવતી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર: આજના આધુનિક યુગમાં પણ દહેજ પ્રથા જેવું સામાજિક દૂષણ યથાવત છે. સુરેન્દ્રનગરમાં દહેજની માંગણી અને માનસિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સાસરિયા પક્ષના ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સરોજ કુસવાહ નામની પરિણીત યુવતીને તેના સાસરિયા પક્ષ દ્વારા અવારનવાર દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું. સાસરિયાઓ દ્વારા પરિણીતા પાસે 1 લાખ રૂપિયાની રોકડ રકમની માંગણી કરવામાં આવી રહી હતી.
માનસિક અને શારીરિક ત્રાસ
યુવતીના પિયર પક્ષ દ્વારા માંગણી મુજબની રકમ ન આપી શકાતા, સાસરિયાઓએ સરોજ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. તેને સતત મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે આ રોજિંદા કલેશ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી જઈને સરોજે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ કાર્યવાહી
યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાસરિયા પક્ષના ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને આરોપીઓની અટકાયત માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દહેજના કારણે એક હસતા-રમતા પરિવારની દીકરીનું મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

