Surendranagar: ધોળીધજા ડેમ ઓવરફ્લો, પીવાના પાણી માટે વલખાં મારતા લોકોના ઘરોમાં જ ભરાયા પાણી
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને ભર શિયાળે પણ ત્રણ-ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ જિલ્લાની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે.
નર્મદા કેનાલમાંથી અચાનક મોડી રાત્રે પાણીનું લેવલ વધારી દેવામાં આવ્યું હતું અને પાણીનું નિયમન કર્યા વિના લેવલ વધારી દેવાના કારણે ધોળીધજા ડેમ 21 ફૂટની સપાટી વટાવી ગયો હતો. ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની આશરે 3 લાખ જેટલી પ્રજા હાલમાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે અને તેમને નિયમિત પાણીના બદલે ૩ દિવસે એક વખત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ડેમનું નિયમન ન થવાથી લાખો ગેલન કિંમતી પાણી કોઈ પણ ઉપયોગ વગર ભોગાવો નદીમાં વહી ગયું હતું, જેના કારણે લોકોમાં રોષ છે. ડેમની સપાટી હાઈ લેવલ પર હોવા છતાં અને ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોવા છતાં, ડેમ પર કોઈ સિક્યોરિટી ગાર્ડ્સ પણ મૂકવામાં આવ્યા નહોતા. તંત્રની આ સતત બેદરકારીને કારણે કિંમતી પાણીનો વેડફાટ થયો છે.

