'અમારા રાજકારણમાં ચારિત્ર્યહીન, દારૂડિયા ને જુગારીઓ ઘૂસી ગયા!', ધ્રાંગધ્રાના BJP ધારાસભ્યના બગડ્યા બોલ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય વરમોરાએ જાહેરમાં મંચ ઉપરથી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ તેમની ચારે તરફ ટીકા થઈ રહી છે, જેનાથી પ્રજાની રાજકારણ પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મંચ પરથી જ ભાજપના નેતૃત્વ પર પ્રશ્નાર્થ
પ્રકાશ વરમોરાએ જાહેરસભાના મંચ પરથી જે નિવેદન કર્યું, તેનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, "અમારી રાજનીતિમાં ચારિત્ર્યહીન, દારૂ પીવા વાળા અને જુગાર રમવા વાળા માણસો આવી ગયા છે." ધારાસભ્યના મોંએથી જ આવા શબ્દો સાંભળીને ઉપસ્થિત લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને મહિલાઓમાં ભારે મૂંઝવણ અને નારાજગી જોવા મળી હતી.
મહિલાઓમાં રોષ
એક તરફ સરકાર મહિલા સલામતી અને મહિલા અનામતની વાતો કરે છે, ત્યારે ખુદ શાસક પક્ષના ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું નિવેદન આવતા મહિલાઓમાં ગણગણાટ થયો કે "શું ભાજપમાં આવું જ હશે?"
મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં હતાશાની ચર્ચા
પ્રકાશ વરમોરાનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા સમય પહેલાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, વરમોરાનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયા બાદથી તેમના "બોલ બગડ્યા" છે. ધારાસભ્યએ જાહેરમાં પોતાના જ પક્ષના નેતાઓ પર આડકતરી રીતે પ્રહાર કરતાં હવે પ્રદેશ ભાજપ નેતૃત્વ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય વિરુદ્ધ ફિટકારની લાગણી વ્યક્ત થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આવા નિવેદનો આપશે, તો પ્રજા કોના પર વિશ્વાસ મૂકશે
ધારાસભ્ય વરમોરાના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર:
ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મંચ પરથી 'ચારિત્ર્યહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા લોકો રાજનીતિમાં આવી ગયા છે' તેવા કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે રાજકીય મામલો ગરમાયો છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ મુદ્દે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે.
ભાજપના જ નેતાઓ વિપક્ષની વાત સ્વીકારે છે: કોંગ્રેસ
ડૉ. મનીષ દોશીએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, "ભાજપના ધારાસભ્ય પોતાના પક્ષની અંદરની વાસ્તવિકતા સામે લાવી રહ્યા છે." કોંગ્રેસ પ્રવક્તાએ આ પહેલાંના કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો:
- તેમણે યાદ અપાવ્યું કે આ પહેલાં પૂર્વ મંત્રીએ પણ જણાવ્યું હતું કે ભાજપમાં ગેરવહીવટ ચાલી રહ્યો છે.
- "આનંદીબેને પણ કહ્યું હતું કે દારૂબંધી હટાવવી એ યોગ્ય નથી."
- "ભાજપના નેતાઓ હવે સ્વીકારી રહ્યા છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે."
ડ્રગ્સ અને દારૂના વેપાર પર સરકારને ઘેરી
ડૉ. દોશીએ ગુજરાતમાં બેફામ ચાલી રહેલા દારૂ અને ડ્રગ્સના વેપલા પર સરકારની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગુજરાતનું યુવાન ધન નશા તરફ જઈ રહ્યું છે."
કોંગ્રેસ પક્ષ દ્વારા લોકો સાથે જોડાવવા માટે જે જનઆક્રોશ રેલીઓ કરવામાં આવી રહી છે, તેના સમર્થનમાં ડૉ. દોશીએ જણાવ્યું કે કોંગ્રેસ જનતાની વાત રજૂ કરી રહી છે.

