Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Accused of cheating Rs 3 crore absconds from police station:

Surendranagar/ પોલીસ સ્ટેશનમાંથી ૩ કરોડનો છેતરપિંડીનો આરોપી ફરાર: ગૌશાળાના નામે ટિકિટો વેચી કરી હતી છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar/ પોલીસ સ્ટેશનમાંથી ૩ કરોડનો છેતરપિંડીનો આરોપી ફરાર: ગૌશાળાના નામે ટિકિટો વેચી કરી હતી છેતરપિંડી
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકેથી એક મોટી બેદરકારી સામે આવી છે. ગૌશાળા અને આશ્રમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી રામદાસ મહાત્યાગી પોલીસની નજર સામેથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે ફરાર આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી તપાસ તેજ કરવામાં આવી છે.

App Store

શું છે સમગ્ર મામલો?

રામદાસ મહાત્યાગી નામના શખ્સ સામે ગૌશાળા અને આશ્રમના લાભાર્થે ટિકિટો વેચીને અંદાજે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આ ગુના હેઠળ પોલીસ તેને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી હતી.

ગભરામણનું બહાનું કાઢી લોકઅપની બહાર આવ્યો

મળતી માહિતી મુજબ, આરોપી રામદાસે પોલીસ સમક્ષ 'ગભરામણ' થતી હોવાનું નાટક કર્યું હતું. તેની તબિયત લથડી હોવાનું સમજીને માનવતાના ધોરણે તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પોલીસની સતર્કતા ઓછી થતા તેનો પૂરો લાભ આરોપીએ ઉઠાવ્યો હતો.

પોલીસની ગેરહાજરીનો લાભ લીધો

ઘટના સમયે ફરજ પરના પીએસઓ (PSO) સચિન બટુકભાઈ પોલીસ ફાયરિંગની પ્રેક્ટિસ માટે કાંધાસર ગયા હતા. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની ઓછી હાજરી અને પોતાની નબળી સુરક્ષા જોઈ રામદાસ મહાત્યાગી પોલીસ મથકમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસની કાર્યવાહી: 15 ટીમો મેદાનમાં

આરોપી કસ્ટડીમાંથી ફરાર થતાની સાથે જ જિલ્લા પોલીસ હરકતના આવી ગઈ છે. નાસી ગયેલા રામદાસને ઝડપી પાડવા માટે અલગ-અલગ 15 જેટલી ટીમો બનાવવામાં આવી છે.જિલ્લાના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ અને સંભવિત આશ્રમો પર પોલીસ દ્વારા કડક વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગવા બદલ આરોપી સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ઘટનાએ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના સગડ મેળવી રહી છે.