Surendranagr news: જમીન કૌભાંડ મામલે ACBએ પૂર્વ કલેક્ટર સહિત કુલ 4 અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો

સુરેન્દ્રનગરના ચર્ચિત જમીન કૌભાંડ મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે.એસીબી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ 4 અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઈડીના સિનિયર અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદને આધારે કરવામાં આવી છે.મહત્વનું છે કે, આ મામલે ઈડીના અધિકારી પોતે ફરિયાદી બન્યા છે.
ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી મળેલી રકમની તપાસ
તપાસ દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવેલી રોકડ રકમ બાબતે પણ એસીબી ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. હવે કલેક્ટર સહિતના ચારેય અધિકારીઓની અપ્રમાણસર મિલકતો મામલે પણ તપાસનો સકંજો કસાયો છે. આવનારા દિવસોમાં આ અધિકારીઓની મિલકતો ટાંચમાં લેવાઈ શકે છે અને તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
EDએ દરોડા પાડ્યા હતા
ઈ.ડી.ની અલગ અલગ ૦૮થી વધુ ટીમો દ્વારા મંગળવારે સવારે જિલ્લા ક્લેક્ટર કચેરી પાછળ આવેલા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસ સ્થાન સહિત વઢવાણ ખાતે રહેતા અને જિલ્લા કલેકટર કચેરીમાં જમીન સંપાદન વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, રતનપર સોમનાથ ચોકમાં રહેતા વકીલ ચેતન કણઝરીયા અને લખતર રહેતા કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા સહિત અન્ય સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમો દ્વારા ૨૨થી ૨૫ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

