Video: 'ટાબરિયા ચોર' સક્રિય, ઓલપાડના સાયણ ગામે રિક્ષામાંથી રૂપિયા ભરેલું પાકીટ ઉઠાવી લીધું
સુરત જિલ્લામાં હવે ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે સગીર વયના ચોરોની ટોળકી (ટાબરિયા ચોર) સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવી જ એક ચોરીની ઘટના બની છે, જ્યાં બે સગીરોએ ઓટોરિક્ષામાંથી રોકડની ચોરી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સાયણ હાઇસ્કૂલ પાસે એક રિક્ષા પાર્ક કરેલી હતી. આ દરમિયાન બે સગીરોએ રેકી કરીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ચોર સગીરોએ પાર્ક કરેલી ઓટોરિક્ષામાંથી રોકડ 9000 રૂપિયા ભરેલું પાકીટ ઉઠાવી લીધું હતું.
ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સગીર ચોરો કેવી રીતે આસાનીથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
સુરત જિલ્લામાં સગીર વયના બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવતા હોવાનું આ ઘટના પરથી જણાઈ આવે છે, જે પોલીસ અને સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને સગીરોને ઝડપી પાડવા અને તેમની પાસેથી રોકડ રકમ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

