VIDEO/ સુરતમાં જનસેવા કાર્યક્રમ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને ભેટ-સોગાદોનું કર્યું વિતરણ
સુરતમાં જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીને વર્ષ દરમિયાન મળેલા સ્નેહ અને સન્માનની યાદગીરીરૂપ ભેટોનું ડ્રો સિસ્ટમથી વિતરણ કરવામાં આવ્યું હતું. પાંચ વડીલોના હસ્તે ડ્રો કરવામાં આવ્યો અને જે ટોકન નંબર નીકળ્યો તે ધારકને પુરસ્કાર આપવામાં આવ્યો.
હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જીત પાછળ ભાજપના કાર્યકર્તાઓની મહેનત છે અને લોકો સાથે સન્માનપૂર્વક વર્તવું સૌથી મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે હોદ્દાનો અહંકાર નહીં પરંતુ સેવા ભાવ સાથે કામ કરવું જોઈએ. લોકો સાથે ગેરવર્તન કરનાર નેતા ક્યારેય લોકોના દિલમાં સ્થાન બનાવી શકતા નથી તેમ પણ તેમણે જણાવ્યું. અંતમાં હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી પોતાની તરફથી થયેલી ભૂલચૂક બદલ માફી પણ માંગી હતી.

