Video/ Surat ના પલસાણામાં બુટલેગર વોરમાં કાર સળગાવનાર માસ્ટર માઈન્ડ ઈશ્વર વાંસફોડિયા સહિત 3 ઝડપાયા
સુરત: પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે ગત ફેબ્રુઆરી મહિનામાં બુટલેગર વોરના કારણે બનેલી આગચંપીની ઘટનામાં કડોદરા પોલીસે આખરે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અંગત અદાવતમાં મોંઘીદાટ ગાડીઓ સળગાવી દેનાર આ શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના?
ગત 19 ફેબ્રુઆરીના રોજ પલસાણાના વાંકાનેડા ગામે મોડી રાત્રે અસમાજિક તત્વોએ અંગત અદાવત રાખીને એક સાથે 4 મોંઘીદાટ કાર સળગાવી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કોઈ સામાન્ય આગચંપી નહીં પરંતુ બુટલેગરો વચ્ચેની આંતરિક લડાઈનું પરિણામ હતું.
મુખ્ય આરોપીઓ જેલના સળિયા પાછળ
કડોદરા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ઘટનાના માસ્ટર માઈન્ડ અને લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા સહિત ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓ પલસાણાના અત્રોલી ગામના વતની છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:
ઈશ્વર વાંસફોડિયા (માસ્ટર માઈન્ડ અને લિસ્ટેડ બુટલેગર)
હેમંત વાંસફોડિયા
વિક્રમ વાંસફોડિયા
ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન
ધરપકડ બાદ કડોદરા પોલીસ ત્રણેય આરોપીઓને વાંકાનેડા ગામે ઘટના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કે આરોપીઓએ કઈ રીતે આયોજનબદ્ધ રીતે કારમાં આગ લગાવી હતી. આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

