Trumpના 50% ટેરિફથી 8 બિલિયન ડોલરના ડાયમંડ એક્સપોર્ટ પર સંકટ, Suratના હીરા ઉદ્યોગ પરના ગ્રહણથી 12 લાખ લોકોને સીધી અસર

ટ્રમ્પે ઉગામેલા ટેરિફના હથિયારની ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના હીરા ઉદ્યોગ પર માઠી અસર થવાની છે. વિશ્વમાં 10માંથી 9 હીરા સુરતમાં બને છે. જેનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે. હાલ મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને ટ્રમ્પના ટેરિફનો ડામ દઝાડશે. દેશના વિદેશી હુંડિયામણમાં ડાયમંડ જ્વેલરીનો પણ મહત્વનો હિસ્સો છે. સુરતમાં 10થી 12 લાખ લોકો સીધી અને આડકતરી રીતે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ત્રણ વર્ષથી મંદીમાં ફસાયેલા ડાયમંડ માર્કેટ છ મહિનાથી પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ફરી એકવાર આ ગતિ ઉપર બ્રેક લાગે તેવી સ્થિતી ઉભી થઈ છે. આ ટેરિફની અસર આગામી દિવસો હીરા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ઘાતક પુરવાર થશે તેવો આ નિર્ણય જોતા નિષ્ણાંતો પણ માની રહ્યા છે.
હીરાનું 8 બિલિયન ડોલરનું એક્સપોર્ટ
હીરા ઉદ્યોગકાર નિલેશ બોડકીએ કહ્યું કે, અમેરિકામાં 5 એપ્રિલ પહેલાં કટ એન્ડ પોલિશ્ડ ઉપર 0% અને જ્વેલરી ઉપર 5થી 7% જેટલો ટેરિફ હતો. 5 એપ્રિલથી 1 ઓગસ્ટ સુધી 10% ટકા એડિશનલ ટેરિફ કરવામાં આવ્યો હતો. હવે 50% એડિશનલ ટેરિફ કરવામાં આવ્યો છે.આપણા દેશમાંથી 40% ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ થાય છે. ભારતથી માત્ર અમેરિકામાં જ 8 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય છે. અત્યારની સ્થિતિમાં જે ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેનાથી સુરતની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ જશે. મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો કારીગરો ઉપર તેની મોટી અસર થશે અને કારીગરો ઉપર અસર થશે તો નાના-નાના ટ્રેડિંગ કરનારાઓ ઉપર પણ તેની સીધી અને ગંભીર અસર થશે. મુંબઈમાં આજે ટ્રેડિંગ થઈ રહ્યું છે તેના ઉપર પણ મોટી અસર થશે. બેલ્જિયમમાં અત્યારે 15% ટેરિફ છે. ઈઝરાયેલમાં 10% ટેરિફ છે. તો આ રીતે એક જ સેગમેન્ટમાં અલગ અલગ ટેરિફ હોવાને કારણે મુશ્કેલી આપણી વધી શકે છે.
હીરા ઉદ્યોગના મેન્યુફેક્ચરિંગ ઉપર ખૂબ મોટી અસર
સુરતના જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, અમેરિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને કારણે સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. 50% ટેરિફ લાગુ કરી દેતાની સાથે જ હીરા ઉદ્યોગના મેન્યુફેક્ચરિંગ ઉપર પણ ખૂબ મોટી અસર થશે. સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો પણ ખુબ મોટા પ્રમાણમાં છે. જો ટેરિફ વધવાને કારણે ત્યાંના ગ્રાહકોને ડાયમંડ ખરીદવા મોઘા લાગશે તો ખરીદી ઓછી થશે અને તેના કારણે સુરતમાં જ્વેલરીને ઓર્ડર પણ ખુબ ઓછા મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમને ભારત સરકાર પાસેથી ખુબ જ અપેક્ષા છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમાં ચોક્કસ પ્રયત્નશીલ હશે. જે રીતે વડાપ્રદાન દ્વારા અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે. વિશ્વમાં જેમ એન્ડ જ્વેલરીનું જે પણ એક્સપોર્ટ થાય છે તેનો 75% હિસ્સો અમેરિકન માર્કેટ છે. આપણે હાલ આશા રાખીએ કે, આપણી સરકાર ચોક્કસ નેગોસિએશન કરીને શક્ય હોય તેટલી રાહત આપવાનો પ્રયાસ કરશે.

