સુરત મનપાની કાર્યવાહીનો ફિયાસ્કો, રાત્રે બંધ કરાવેલું રેસ્ટોરન્ટ સવારે ફરી ધમધમ્યું!

સુરતના પુણામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 4 વર્ષીય બાળકીના મોતની ગંભીર ઘટના બાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં હોટલ-રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી શરૂ કરી હોવાના દાવા કર્યા છે. અલગ-અલગ ઝોનમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સફાઈના અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ 17 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. જોકે, અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી ‘ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ’ને પણ ગઈકાલે રાત્રે સફાઈના અભાવે બંધ કરાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ ફરી ધમધમતી જોવા મળતાં પાલિકાની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
બાળકીના મોત બાદ તંત્ર મોડે મોડે જાગ્યું
પુણા વિસ્તારમાં પાર્સલમાં મંગાવવામાં આવેલા શાક બાદ એક જ પરિવારના સભ્યોની તબિયત લથડવાની અને ચાર વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના બાદ પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. ઘટનાને પગલે માતાવાડી વિસ્તારમાં આવેલી શીતલ હોટલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને હોટલ સામે સીલિંગ સહિતની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
હોટલ-રેસ્ટોરન્ટ સહિતના એકમોને સીલ
ગત રોજ આરોગ્ય વિભાગની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, કચરાના નિકાલ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનારા અને સ્વચ્છતાના અભાવવાળા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં કુલ 17 હોટલ-રેસ્ટોરન્ટ સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.
રાત્રે બંધ કરાવેલી રેસ્ટોરન્ટ સવારે ફરી ધમધમતી થઈ
આ કાર્યવાહી અંતર્ગત અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી ‘ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ’ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં જરૂરી ધોરણો મુજબની સફાઈ અને સ્વચ્છતાનો અભાવ જણાતા આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ પાલિકા દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને કડકાઈ દાખવવામાં આવી રહી હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ સવાર પડતાં જ આ જ રેસ્ટોરન્ટ ફરી રાબેતા મુજબ ચાલુ થઈ જતાં પાલિકાની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે.
ગઈકાલે રાત્રે જે એકમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તે બીજા જ દિવસે ફરી ગ્રાહકો માટે ખુલ્લું જોવા મળ્યું હતું. જેના કારણે પાલિકાએ કરેલી સીલિંગ કાર્યવાહી માત્ર દેખાડો બની રહી છે કે કેમ તે અંગે સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે એક માસૂમ બાળકીના મોત બાદ તંત્રએ માત્ર દરોડા અને સીલિંગ પૂરતી કામગીરી કરવાને બદલે નિયમ ભંગ કરનારા એકમો સામે સતત દેખરેખ અને કડક અમલવારી કરવી જરૂરી છે. નહિતર રાત્રે સીલ અને સવારે ફરી ધંધો શરૂ થવાની ઘટનાઓથી પાલિકાની કાર્યવાહીનો ભય જ સમાપ્ત થઈ શકે છે.

