Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The anger of the flood victims in Surat! The leaders-officials were taken off the tractor and forced to walk in dirty water

સુરતમાં પૂરગ્રસ્તોનો ફાટ્યો ગુસ્સો! ટ્રેક્ટર પરથી ઉતારી નેતા-અધિકારીઓને ગંદા પાણીમાં ચાલવા મજબૂર કર્યા

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં પૂરગ્રસ્તોનો ફાટ્યો ગુસ્સો! ટ્રેક્ટર પરથી ઉતારી નેતા-અધિકારીઓને ગંદા પાણીમાં ચાલવા મજબૂર કર્યા
સોર્સ : gstv

સુરત શહેરમાં ખાડી પૂરના કારણે હજારો પરિવારો છેલ્લા 3 દિવસથી નરકાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. આ ગંભીર આપત્તિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી સુરતની 'મુલાકાતે' તો આવ્યા, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે તેમણે સુરત મનપાની ICCC બિલ્ડિંગ ખાતેના ઈમરજન્સી રિસ્પેન્સ સેન્ટરની ઓફિસમાં બેસવાનું મુનાસિબ સમજ્યું. મુખ્યમંત્રીએ મોટી LED સ્ક્રીન પર 'વર્ચ્યુઅલ નિરીક્ષણ' કરીને પૂરની સ્થિતિનું આકલન કરી લીધું! આ તમામ વચ્ચે કેટલાક વિસ્તારમાં સુરતીઓનો પિત્તો ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પર્વત પાટિયામાં દેખાડો કરવા ટ્રેક્ટર લઈને નીકળેલા નેતા-અધિકારીઓને લોકોએ ઘેર્યા, પૂરના ગંદા પાણીમાં પગપાળા ચાલવા મજબૂર કર્યા હતા.

App Store

દેખાડો કરવા નીકળેલા નેતા-અધિકારીઓને જનતાએ પાણીમાં ઉતાર્યા!

ખાડીપૂરના ત્રીજા દિવસે પણ સુરતના પર્વત પાટિયા, ડુંભાલ, ગીતાનગર સહિતના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. હજુ પણ કેડસમા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોનો રોષ સાતમા આસમાને છે. આજે ગુરુવારે જ્યારે મુખ્યમંત્રી શહેરમાં હતા, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ ટ્રેક્ટર પર સવાર થઈને પર્વત પાટિયા વિસ્તારમાં 'દેખાડો' કરવા પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં બંધક બનેલી જનતાનો પિત્તો ગયો હતો.

રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાઓ અને અધિકારીઓના ટ્રેક્ટરને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને આગળ વધવા દીધું નહોતું. લોકોએ આક્રોશ સાથે અધિકારીઓ અને નેતાઓને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરીને પૂરના ગંદા પાણીમાં પગપાળા ચાલવા મજબૂર કર્યા હતા. જનતાના વેધક સવાલો સામે અધિકારીઓ અને કોર્પોરેટરો ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને આખરે નાછૂટકે ગંદા પાણીમાં પગપાળા જવું પડ્યું હતું.

"જ્યારે અમે ભૂખ્યા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?" જનતાનો આક્રોશ

લોકોનો સીધો આક્ષેપ હતો કે જ્યારે તેઓ ભૂખ્યા-તરસ્યા હતા, ત્યારે ભાજપના નેતાઓ કે અધિકારીઓ ડોકાયા પણ નહોતા. હાઈટેક ગણાતી સુરત મનપાએ પૂર આવશે તેવી અગાઉથી કોઈ ચેતવણી પણ ન આપી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા રાહત માટે જે બોટ મૂકવામાં આવી છે તે પણ વારંવાર બંધ પડી જાય છે અથવા ખરાબ થઈ જાય છે, જેના કારણે ફસાયેલા લોકો સુધી ભોજન કે જરૂરી સામગ્રી પહોંચાડવામાં તંત્ર સાવ નાપાસ સાબિત થયું છે.

"40 વર્ષથી તમારું જ શાસન છે, તો આ કાયમી નરક કેમ?"

કેટલાક સ્થાનિકોએ હુંકાર સાથે નેતાઓને મોઢામોઢ સંભળાવી દીધું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી આ જ સમસ્યા છે અને શહેરમાં તમારું શાસન પણ છેલ્લા 40 વર્ષથી છે. છતાં સમસ્યા ઠેરની ઠેર કેમ છે? ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવવું છે, જાતજાતના ટેક્સ વસૂલવા છે, પણ જ્યારે જનતા આફતમાં હોય ત્યારે નેતાઓ ગાયબ થઈ જાય છે! આવો એકતરફી વ્યવહાર હવે સુરતીઓ ચલાવી લેશે નહીં.

વેપારીઓ પણ બરબાદ: ખાડીની દીવાલ બની આફત

માત્ર રહેવાસીઓ જ નહીં, પરંતુ પર્વત પાટિયા વિસ્તારના વેપારીઓ અને દુકાનદારો પણ તંત્ર પર ભારોભાર રોષે ભરાયા છે. વેપારીઓનું કહેવું છે કે, "જ્યારથી આ ખાડીની દીવાલો બનાવવામાં આવી છે, ત્યારથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી થઈ. પરિણામે દર ચોમાસામાં આ આખો વિસ્તાર ટાપુ બની જાય છે. ગંદુ પાણી દુકાનોમાં ઘૂસી જતાં લાખો રૂપિયાનો સામાન બરબાદ થઈ જાય છે અને સરકાર તરફથી પૂરતું વળતર પણ મળતું નથી." તંત્રની આ ઘોર બેદરકારીના કારણે આજે સુરતનો મધ્યમવર્ગ અને વેપારી વર્ગ સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયો છે.