સુરત કોર્ટમાં શંકાસ્પદ આરોપી ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આ આક્ષેપ

સુરત સિવિલ કોર્ટ પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામ પોલીસ દ્વારા ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે અટકાયત કરાયેલા 33 વર્ષીય નરેશ પરમાર નામના યુવકનું કોર્ટ રૂમમાં અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારે કતારગામ પોલીસ પર કસ્ટડીમાં ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ બાદ સાચું કારણ સામે આવવાની વાત કરી છે.
શું છે પરિવારના આક્ષેપો?
મૃતક નરેશ પરમારની ભાભી અને પરિજનોના જણાવ્યાનુસાર, બે દિવસ પહેલાં નરેશના રૂમમાં રહેતા ભાડૂતે ચોરી કરી હતી. છતાં કતારગામ પોલીસે ખરી ચોરી કરનારને છોડી મૂકીને નરેશની અટકાયત કરી હતી. પરિજનોનો આક્ષેપ છે કે, 'પોલીસે તેને કસ્ટડીમાં રાખવા ઉપરાંત પોલીસ સ્ટેશનની બહાર પણ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. અમે પોલીસને વિનંતી કરી હતી કે તેને ન મારે, પરંતુ પોલીસે કાનૂની મર્યાદા બહાર જઈને મારેલ મારના કારણે જ આજે કોર્ટ રૂમમાં તે ઢળી પડ્યો હતો.' ચાર સંતાનોના પિતા એવા નરેશ પરમારનું મોત થતાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
કોર્ટ રૂમમાં ઢળી પડ્યો, હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયો
મળતી માહિતી મુજબ, કતારગામ પોલીસે નરેશને ત્રણ દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ આજે (છઠ્ઠી ઓગસ્ટ) સુરત સિવિલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ રૂમની કાર્યવાહી દરમિયાન જ નરેશ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યો હતો. ઘટના બાદ પોલીસ કસ્ટડી અને કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

