Surat News: સાયબર ફ્રોડ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું
સુરતમાં રૂ.200 કરોડના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટનો મામલો સામે આવ્યો છે. આમાં ટોળકીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડ આચરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવા ટોળકીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ટોળકીએ વર્ષ 2012માં લોકોને સસ્તામાં પ્લોટ આપવાના બહાને છેતરપિંડી કરી હતી. ટોળકીએ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છતાં પ્લોટનો કબજો આપ્યો નહીં.
સચિન વિસ્તારમાં પ્લોટ પાડવામાં આવ્યા હતા, જેમાં સસ્તામાં પ્લોટની સ્કીમ આપી આ ટોળકીએ લોકોને છેતર્યા હતા. ભોગ બનનારાઓએ વર્ષ 2018માં ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપી હતી, જે અરજી પર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
હવે 200 કરોડના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં આરોપીઓની ધરપકડ થતાં લોકો ન્યાય માટે આગળ આવ્યા છે. પોતાના મહેનત પરસેવાની મહામૂડી મેળવવા માટે લોકો રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાના નાનાભાઈ ચેતન વસાવાનો સ્થાનિક પોલીસ જોડે ઘરોબો હોવાનો પણ આરોપ છે. અન્ય પ્લોટ ધારક અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. પ્લોટ ધારકની પત્નીનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી.
અનેક લોકોએ પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું. જે પ્લોટના નાણા ભર્યા છતાં પ્લોટનો કબજો આપવામાં આવ્યો નહોતો. પ્રતીક વસાવા, પ્રફુલ, ચેતન સહિતના ઇસમો સામે લોકોએ આક્ષેપ કર્યો છે. પીડિત લોકોએ સુરત પોલીસ કમિશ્નર પાસે ન્યાયની માંગ કરી છે.

