VIDEO: શ્રાવણ માસને લઈ સુરત આરોગ્ય વિભાગની લાલ આંખ: ફરાળી ચીજવસ્તુઓ અને લોટના સેમ્પલ લેવાયા
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયો છે. સુરતના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમ દ્વારા બજારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઉપવાસમાં મોટા પ્રમાણમાં વપરાતા લોટ અને વિવિધ ફરાળી ચીજવસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સિંઘોડાનો લોટ, રાજગીરાનો લોટ અને મોરૈયાનો લોટ સહિતની ખાદ્ય સામગ્રીના શંકાસ્પદ નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે, જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી 14 દિવસમાં આ સેમ્પલના રિપોર્ટ્સ આવી જશે. જો લેબોરેટરી રિપોર્ટમાં સેમ્પલ અસલી કે ગુણવત્તા વગરના જણાશે, તો સંબંધીત દુકાનદારો અને વેપારીઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

