Surat: ખટોદરામાં સ્પોર્ટ્સ બાઈકની ચોરી; બાઈકને બિન્દાસ્ત ધક્કો મારીને લઈ ગયો ચોર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી રેવા નગરમાંથી એક શાતિર ચોર બિન્દાસ્તપણે સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની પ્રક્રિયા સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ખટોદરાના રેવા નગર ખાતેથી તસ્કરોએ કિંમતી સ્પોર્ટ્સ બાઈક KTM DUKE 200 ને નિશાન બનાવી હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક અજાણ્યો યુવક મોડી રાત્રે સોસાયટીમાં પ્રવેશે છે અને કોઈ પણ જાતના ડર વગર બાઈક ચોરીને અંજામ આપે છે. નવાઈની વાત એ છે કે, ચોર ઈસમ બાઈક ચાલુ કરવાને બદલે તેને બિન્દાસ્તપણે ધક્કો મારીને રસ્તા પર લઈ જતો નજરે પડી રહ્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ખટોદરા પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત છે. બાઈકના માલિક દ્વારા આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

