સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ અનાથ આશ્રમની લીધી મુલાકાત, બાળકોએ વાંજિત્રો સાથે વગાડ્યું રાષ્ટ્રગીત

સૃષ્ટિમાં જેમનો કોઈ નથી એવા અનાથ નરની સેવા એ સાચે જ નારાયણની સેવા છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ આફ્રિકાના યુગાન્ડા દેશના કંપાલા શહેરમાં આવેલા અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. અહિં સંતોની સાથે આશ્રમના બાળકોએ ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આશ્રમના બાળકોએ ભારતના રાષ્ટ્રગીતના સંગીતના સાધનો સાથે વગાડ્યું હતું.
દીન-દુઃખિયાની સેવા
કંપાલામાં અનાથ બાળકોની સેવા કરી ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષભાઈ માવજીભાઈ વરસાણી વગેરે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, દીન દુઃખિયાઓની સેવા કરવાની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અમે અહીં મૂર્તિમાન જોઈ. આફ્રિકા ખંડના કેન્યા, યુગાન્ડા , ટાંઝાનિયા વગેરે દેશોમાં સત્સંગ વિચરણ કરી રહેલા રાજકોટ ગુરુકલ પરિવારના ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી,નવસારી સાંસ્કૃતિક ગૌધામના મહંત ભક્તિવલદાસજી સ્વામી, સંત સ્વામી, શ્રૃતિ સ્વામી,સુરત ગુરુકુલના કેશવપ્રિયદાસજી સ્વામી વગેરે સંતોની અનાથ બાળકોના નોહાસ આર્ક આશ્રમમાં પધરામણી કરી હતી.
350 બાળકોની સેવા
અનાથ બાળકોએ ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે સંતોના સ્વાગત બાદ ભારતના રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું. અહીંના સ્થાનિક લોકોએ વાંજિત્રો સાથે કરેલું‘ જન ગણમન અધિનાયક ‘ રાષ્ટ્ર ગીત સંભળાવ્યું હતું. કંપાલામાં કચરાપેટી, રોડ કે બગીચામાં તરછોડી દીધેલા,અપંગ, નિરાધાર, એક દિવસથી 18 વર્ષ સુધીના બાળકોની સેવા કરી રહ્યા છે. એમને ભણવાનું તથા રોજગારી કામ શીખવીને પગભેર ઉભા કરી દે છે. જેમનું સૃષ્ટિમાં કોઈ નથી એવા ડૂબતા બાળકો માટે સહારો બની રહેલા 75 એકરમાં ફેલાયેલા નોહાસ આર્ક આશ્રમમાં આજે 350 ઉપરાંત આવા બાળકોની સેવા તેઓશ્રી તદ્દન ફ્રીમાં કરી રહ્યા છે. બાળકોને સાચવવા, એજ્યુકેશન તેમજ રોજગારી વગેરે શીખવવા માટેના કર્મચારીઓ વગેરે 450નો સ્ટાફ છે.

