VIDEO: સુરતમાં પ્લોટ બુકિંગના નામે ₹1.56 કરોડની છેતરપિંડી, કામરેજ પોલીસે અમદાવાદના શાતિર ઠગ ઉમંગ ઠક્કરની કરી ધરપકડ
સુરતના કામરેજ તાલુકામાં પ્લોટ બુકિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર શાતિર ઠગને કામરેજ પોલીસે જેલભેગો કર્યો છે. અમદાવાદના આરોપી ઉમંગ ઠક્કરે ટાઇટલ ક્લિયર ન હોવા છતાં અનેક લોકોને જાળમાં ફસાવી ₹1.56 કરોડથી વધુની ઠગાઈ આચરી હતી. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક અને શાતિર ઠગે નિર્દોષ લોકોને પોતાના જાળમાં ફસાવીને મોટી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
ખોલવડ ગામમાં 'નિર્માણ' પ્રોજેક્ટ બતાવી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખોલવડ ગામ ખાતે 'નિર્માણ' નામના પ્રોજેક્ટ હેઠળ ખુલ્લા પ્લોટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કરે વર્ષ 2018માં આ જમીન અન્ય વ્યક્તિને વેચી દીધી હોવા છતાં, એપ્રિલ 2026માં ટાઇટલ ક્લિયર કર્યા વિના ખુલ્લા પ્લોટ બુકિંગના નામે લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા.
15થી વધુ લોકોએ મહેનતની કમાણી ગુમાવી
પ્લોટ બુકિંગ કરાવ્યા બાદ પણ લાંબા સમય સુધી પ્લોટનો કબ્જો કે નાણાં પરત ન મળતાં 15થી 16 જેટલા નિર્દોષ લોકો છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. ભોગ બનનારાઓએ પોતાની મહેનતની કમાણી ગુમાવ્યા બાદ આખરે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ પકડથી ભાગતો આરોપી આખરે જેલહવાલે
આરોપી ઉમંગ ઠક્કર પોતાના રાજકીય વગનો ઉપયોગ કરીને કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. જોકે, કામરેજ પોલીસે કાયદાનો સકંજો કસીને આખરે આ શાતિર ઠગની અટકાયત કરી તેને જેલ ભેગો કર્યો છે. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.ગોજીયાએ જણાવ્યું હતું કે, કુલ ₹1.56 કરોડની ઠગાઈ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે આગળની પોલીસ તપાસ હાથ ધરાઈ છે.

