સુરતમાં સાળાની પત્નીના હત્યારાએ પોતાની પત્નીને પણ ઉતારી મોતને ઘાટ, મૃતદેહને રૂમમાં બંધ કરી દેતા આવવા લાગી દુર્ગંધ

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરામાં સાળાની પત્નીની હત્યામાં આજીવન કેદની સજા ભોગવતો યુવક જેલ બહાર આવ્યા બાદ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જેમાં રૂમમાંથી સતત દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. તાળુ તોડી ઘરમાં જોતા પરિણીતાની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં વહેલી સવારે ગેસનો બોટલો ધડાકાભેર ફાટતાં મચી અફડાતફડી, આગની જ્વાળાથી 6 દાઝ્યા
આજીવન કેદની સજા થઈ હતી
પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની ક્રિષ્ના સ્વાઇ અને તેની પત્નીએ વર્ષ 2017માં ઘરના વારસા બાબતે સાળા ધર્મેશની પત્ની અનિતાની હત્યા કરી હતી.જેમાં ક્રિષ્નાને આજીવન કેદની સજા થઇ હતી જ્યારે લક્ષ્મી નિર્દોષ છૂટી હતી. આજીવન કેદની સજા ભોગવતો ક્રિષ્ના થોડાક દિવસ પૂર્વે જેલમાંથી બહાર આવ્યો હતો.
પત્ની સાથે ઝઘડો થયો હતો
કોઇક મામલે લક્ષ્મી જોડે ઝઘડો થતાં તેની હત્યા કરી રૂમને તાળુ મારી ભાગી ગયો હતો. ઘરમાંથી સતત દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં આ ઘટના સામે આવી હતી. મહિલાનું મોત આશરે ત્રણેક દિવસ પહેલાં થયું હોવાથી લાશ કોહવાઇ ગઇ હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.

