સુરતના સાયણમાં આડાસંબંધના વહેમમાં હત્યા, પાડોશીએ 14 વર્ષના કિશોરને ઉતાર્યો મોતને ઘાટ

સુરતના સાયણમાં વિચિત્ર કહી શકાય તેવો હત્યાનો બનાવ બન્યો છે. આડા સંબંધના વહેમમાં 14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને આ કૃત્ય આચર્યું હતું.
મૃતક હત્યારાની પત્ની સાથે ઉભો હતો
સવારના સમયે હત્યા કરી હતી. જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો. તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો. આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતાં આવેશમાં આવી ગયો અને એકાએક ચપ્પુ લઈને કિશોર પર હુમલો કર્યો. આરોપીએ કિશોર પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા અને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.
મૃતકના પરિવારમાં શોક
હત્યા બાદ ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આ ઘટનાથી સમગ્ર સાયણ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.

