સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પાઠવ્યો પત્ર, પૂછ્યા 5 વેધક સવાલ

સુરતના પુણા વિસ્તારમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં 5 વર્ષની બાળકીના મોત બાદ સમગ્ર રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને રેસ્ટોરન્ટ્સની અસ્વચ્છતા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યના વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાને પત્ર લખીને ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે 5 તીખા સવાલો ઉઠાવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
માત્ર થોડા દિવસ ચેકિંગ કરવાથી કાયદાનો ડર પેદા નહીં થાય
કુમાર કાનાણીએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલમાં હોટલ-રેસ્ટોરન્ટ્સમાં ચાલી રહેલી તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ગંદકી અને અખાદ્ય પદાર્થો મળી રહ્યા છે, પણ સવાલ એ છે કે અત્યાર સુધી આ અધિકારીઓ શું કરતા હતા? માત્ર થોડા દિવસો માટે ચેકિંગ ઝુંબેશ ચલાવવાથી ભેળસેળિયા અને નકલી ખાદ્યપદાર્થો બનાવતા માફિયાઓમાં કાયદાનો ડર પેદા નહીં થાય. તેમણે કાયદો વધુ કડક બનાવવા અને તેનો પ્રામાણિકતાથી અમલ કરવાની માંગ કરી છે.
પૂર્વ આરોગ્ય મંત્રીના તંત્ર સામે 5 વેધક સવાલો
1- પુણામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોત મામલે અત્યાર સુધી શું કાયદાકીય કડક પગલાં લેવાયા?
2- અત્યાર સુધી કીડા-જીવાત અને ગંદકીવાળો ખોરાક પીરસનારાઓ સામે આંખ આડા કાન કરનાર જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે?
3- ચેકિંગમાં અખાદ્ય ખોરાક મળી આવે ત્યારે તેનો નાશ કરીને કાગળ પર કાર્યવાહી પૂર્ણ બતાવાય છે, પણ આવો ખોરાક બનાવનાર અને વેચનાર સામે દાખલારૂપ ગુનો કેમ નોંધાતો નથી?
4- હોટલ-રેસ્ટોરન્ટને સીલ કર્યા બાદ સંચાલકો સામે કેસ થાય છે કે નહીં? દંડ વસૂલાય છે કે નહીં અને ફરી એકમ શરૂ થાય ત્યારે નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું ફોલો-અપ કોણ લે છે?
5- નકલી અને ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકાવવા માટે જામીન ન મળે તેવા કડક નિયમો અને તેનો કાયમી અમલ ક્યારે કરવામાં આવશે?
પૂર્વ આરોગ્ય મંત્રીએ અગાઉ પણ કરી હતી રજૂઆત
મહત્ત્વનું છે કે કુમાર કાનાણીએ આ વખતે માત્ર તાજેતરની ઘટનાની પ્રતિક્રિયા રૂપે જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અગાઉ સરકારને લખેલા પત્રોનું બીડાણ પણ આ રજૂઆત સાથે મોકલ્યું છે. હવે પોતાની જ પાર્ટીના પૂર્વ આરોગ્ય મંત્રીના આ 5 ધારદાર સવાલોનો જવાબ આરોગ્ય વિભાગ કઈ રીતે આપે છે અને ભેળસેળિયાઓ સામે કાયમી ધોરણે કેવી કડક નીતિ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

