Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Meghraja's explosive batting in Surat, rain in 33 talukas in 24 hours; Meghmehr forecast for 4 days in the state

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ; રાજ્યમાં 4 દિવસ મેઘમહેરની આગાહી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ; રાજ્યમાં 4 દિવસ મેઘમહેરની આગાહી
સોર્સ : gstv

સમગ્ર દેશ સહિત ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે અને ત્યારબાદના 2 થી 3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 02 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે વરસાદનું જોર વધી શકે છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.

App Store

સુરતમાં 15 દિવસની રાહ બાદ મેઘરાજાની એન્ટ્રી, પણ પહેલા જ વરસાદે પોલ ખોલી

સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકા (SMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના-નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે.

અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, હજારો નોકરીયાતો ટ્રાફિકમાં અટવાયા

શહેરના ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળામાં ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે ગંદા પાણી ઉભરાઈ આવ્યા છે અને આખો અંડરપાસ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયો છે. રસ્તાઓ પર ભારે પાણી ભરાવાને કારણે અનેક વાહનો અધવચ્ચે બંધ પડી ગયા છે. જેના લીધે ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ આખેઆખો ભારે ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે. સચિન GIDC તરફ જતા હજારો નોકરીયાતો કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા. બીજી તરફ, વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે એક મોટું ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દર વર્ષે સર્જાતી જળબંબાકારની જટિલ પરિસ્થિતિ અને પાલિકાના પૂર્વ આયોજન વિનાના માત્ર કાગળ પરના પોકળ દાવાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ, ધરતીપુત્રોમાં આનંદ

અમરેલી: અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. જ્યારે જાફરાબાદ શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ટીંબી, નાગેશ્રી, હેમાળ, કડીયાળી અને વઢેરામાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયની અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘમહેર થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. વાવણીલાયક વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.