સુરતના ઉધના રેલવે સ્ટેશનથી એમડી ડ્રગ્સ ઝડપાયુ, બે રિક્ષાચાલક મુંબઈથી લાવ્યા હતા નશાનો જથ્થો

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓ પાસેથી 55 ગ્રામ એમડી કિંમત રૂપિયા 5,54,500નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી એઝાઝ અબ્દુલવલી મન્સૂરી અને શિવકુમાર રામ ખીલાવન ગુપ્તા નામના બે આરોપીની કરી ધરપકડ કરી હતી.
મોબાઈલ-રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે
ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલા ઝીરો નંબર રોડ પરથી બન્ને ઈસમોને ઝડપી લીધા હતાં. બન્ને આરોપી પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમ ડી ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ વેચાણ માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ બન્ને આરોપીઓ પાસેથી બે મોબાઈલ તથા રોકડા મળીને 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ઝડપથી પૈસા કમાવા ડ્રગ્સ વેચવા લાવેલા
આરોપીઓ બન્ને રિક્ષા ડ્રાઇવર છે. તેઓ મુંબઇથી એમડી ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. બોરીવલીથી તેઓ જથ્થો લાવ્યા હતાં. બન્ને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. એઝાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મહિધરપુરા તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.
ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

