દીપડાએ લૂંટી તંત્રની આબરું! મહુવામાં ખખડધજ પાંજરું તોડીને નાસી ગયેલા હિંસક પ્રાણીથી ભયનો માહોલ

સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર હવે દીપડાઓનું અભયારણ્ય બની રહ્યા છે. મહુવા તાલુકાના નિહાલી ગામે ઘણા દિવસોથી દીપડો આંટા ફેરા મારતો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. દીપડાના દેખા દેવા અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. જેથી વનવિભાગે ખખડધજ પાંજરૂ મૂક્યું હતું. જેમાં દીપડો પકડાઈ ગયા બાદ તંત્રની પોલ છતી થઈ હતી.
લોકોમાં મચી ભાગદોડ
ભગત ફળિયામાં પાંજરું ગોઠવ્યું હતું. મારણની લ્હાયમાં દીપડો તો આવ્યો અને પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પૂરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને સૌ દીપડાને જોવા દોડી આવ્યા હતા. પરંતુ ક્ષતિગ્રસ્ત પાંજરું હોય દીપડો પાંજરું તોડી ભાગી છૂટ્યો હતો. જેથી હાજર લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.
વનવિભાગની બેદરકારી
સ્થાનિકોએ વન વિભાગને પણ જાણ કરી હતી. દીપડો પાંજરું તોડી બહાર નીકળતા જો કોઈ અડફેટે આવ્યું હોત તો જાન હાનિ નક્કી હતી. જેથી હવે સ્થાનિકો મહુવા વિભાગ નીંકામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. જ્યારે જ્યારે દીપડો દેખાય છે ત્યારે મહુવા વન વિભાગ માત્ર પાંજરું ગોઠવી સંતોષ માની લે છે. પરંતુ વર્ષો જુના પાંજરાઓની મરામત કરવાની વન વિભાગ એ તસ્દી લીધી નથી.

