કચ્છ: બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતી 33 કલાક બાદ જીદગીની જંગ હારી ગઇ છે.બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતીનું મોત થયું છે. રેસક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. NDRFની ટીમ દ્વારા ફરી મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહ બોરવેલમાં ફુલાઇ જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.
33 કલાક બાદ જીંદગીનો જંગ હારી યુવતી
યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે NDRF-BSF, આર્મી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ બાકી હતું ત્યારે રેસક્યુ સાધન છટકતા ફરી યુવતી નીચે બોરવેલમાં પટકાઇ હતી.
કેવી રીતે બની હતી ઘટના
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે ઇન્દ્રા મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી.યુવતી બોરવેલમાં ગરકાવ થયાંની ઘટનાની જાણ થતાં જ ભુજ અને ગાંધીધામ ફાયરબ્રિગેડની ટીમો ઉપરાંત NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો: સુરતના વિદ્યાર્થીનું IIM બેંગ્લોરમાં ભેદી સંજોગોમાં મોત, હોસ્ટેલની લોનમાં મળ્યો હતો બેભાન
રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ કાકાઇ ભાઇ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજુરીનું કામ કરતી યુવતી સોમવાર વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ના આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઇએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કચ્છમાં આંચકારૂપ ઘટના વાયુવેગે પ્રસરતાં કચ્છ કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી અનિલ યાદવ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, આરોગ્ય અધિકારી સહિતનાઓ સ્થળ પર દોડી આવ્યા હતાં. આ દરમિયાન ગાંધીનગરથી NDRFની ટીમ પણ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.જોકે, યુવતીને બચાવી શકાઇ નથી.

