સુરતમાં પતંગ રસિયાઓની મજા બેવડાઈ, માફકસરના પવનથી આકાશે આંબ્યા પતંગ

આજે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. પતંગ રસિયાઓ માટે આ દિવસ ખાસ હોય છે. વહેલી સવારથી ધાબે ચઢી સુરતીઓ પતંગ ચગાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તરાયણના દિવસ દરમિયાન પવનની ઝડપ 15થી 20 કિ.મી.ની ઝડપ જોવા મળી રહી છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ જોવા મળે છે. પતંગ રસિયાઓ માટે ખૂબ જ સારો પવન જોવા મળી રહ્યો છે. જેથી પતંગ રસિકોએ વધુ ઠૂમકા મારવા પડતા નથી અને પતંગ આકાશને આંબી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં ઉત્તરાયણની સાથે ઊંધિયાની મોજ, ફરસાણની દુકાનો પર લાગી લાઈન
તાપમાનમાં ઉતાર-ચઢાવ
મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધ્યુ હતું તો લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં રવિવારે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૦.૫ ડિગ્રી વધારા સાથે ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન થોડું ઘટીને ૧૭.૧ ડિગ્રી રહ્યું. હવામાં ભેજનો સ્તર ૩૬ ટકા નોંધાયો હતો, જે સાથે ૪ કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો.આ સ્થિતિને કારણે શહેરીજનોને દિવસ દરમિયાન ગરમી અને સવારે-સાંજે હલકી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનવિદોના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના ઓછી છે. શહેરીજનોને વાદળછાયા વાતાવરણ માટે તૈયાર રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મકરસંક્રાંતિ પર કુમાર યોગ અને રાજ યોગનો શુભ સમન્વય
મકરસંક્રાંતિનો તહેવાર મંગળવારે(આજે) ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે સંક્રાંતિ વાઘ પર સવાર થઈને આવી રહી છે, તેનું પેટા વાહન ઘોડો છે. જ્યોતિષીઓના મતે, આ વખતે સંક્રાંતિ મંગળવારે છે અને સૂર્ય પર સંક્રાંતિ હોવાથી તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. માગષર મહિનામાં કૃષ્ણ પક્ષે મંગળવારે 14 જાન્યુઆરી સવારે 8:55 કલાકે સૂર્યનારાયણ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ દિવસથી કમૂરતા પણ સમાપ્ત થઈ રહ્યા છે, જેથી શુભ કાર્યો ફરી શરૂ થશે. મકરસંક્રાંતિનો શુભ સમય સવારે 7:21 વાગ્યે સૂર્યોદયથી સાંજે 5:50 વાગ્યે સૂર્યાસ્ત સુધીનો રહેશે.

