Suratમાં પતિએ ભાજપમાંથી કરી દાવેદારી, તો પત્નીએ AAPમાંથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારમાં રાજકીય ડ્રામા શરુ થઈ ગયા છે. સુરતના પાટીદાર અનામત આંદોલનના નેતાએ વિધાનસભાની ચૂંટણી AAPમાંથી લડ્યા હતા. ત્યારબાદ ભાજપનો ખેસ પહેરી લઈ હવે કોર્પોરેટરની ટિકિટ માટે દાવેદારી કરી છે. જો કે, તેમના પત્ની AAPના કોર્પોરેટર હતા તેથી એક જ પરિવારના બે સામ-સામે આવે તેવી ચર્ચા થતી હતી. તેવામાં AAPના કોર્પોરેટરે સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ ટિકિટની માંગણી કરી નથી કે ફોર્મ પણ ભર્યુ નથી. આમ તેઓ ચૂંટણી લડશે નહીં. કોર્પોરેટરના નિવેદનના કારણે એક જ ઘરમાં બે સામ-સામેના વિવાદનો અંત આવ્યો છે.
પતિએ ભાજપમાં કરી દાવેદારી, તો પત્નીએ AAPમાંથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
સુરતમાં અનામત આંદોલન વખતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ચર્ચામાં હતા. પાલિકાની થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડ વિધાનસભા માંથી AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. વોર્ડ નંબર 2 માંથી ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે.
આ દાવેદારી બાદ ધાર્મિક માલવીયાના પત્ની મોનાલી હીરપરાએ AAPમાંથી ચૂંટણી લડશે તેવી વાત થતા એક જ ઘરમાંથી બે સભ્યો અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે તેવી વાત શરુ થઈ ગઈ હતી. જો કે, આ અટકળો વચ્ચે મોનાલી હીરપરાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 'મે ટિકિટ માટે કોઈ દાવેદારી કરી નથી અને ફોર્મ પણ ભર્યું નથી. છેલ્લા ઘણા સમયથી પરિવારમાં વ્યસ્ત છું, બાળક નાનું છે તેની સારસંભાળ રાખી રહી છું. જેના કારણે ઘણા સમયથી પક્ષના કાર્યક્રમમાં પણ જતી નથી. હું પક્ષમાં જોડાયેલું છે પણ ટિકિટની માંગણી કરી નથી. તેમના આ નિવેદનને કારણે એક ઘરમાં બે અલગ-અલગ પક્ષના ચૂંટણી લડશે તેનો છેદ આવી ગયો છે.

