Surat: અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી પ્લાસ્ટિક પીગાળે તેવું ગરમ પાણી નીકળ્યું!
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ પણ સર્જાયો છે. ગામના એક બોરમાંથી અચાનક પ્લાસ્ટિક પીગાળે એટલું ગરમ પાણી નીકળવાનું શરૂ થયું હતું.
પાણી એટલું ગરમ છે કે તેણે અડકવું મુશ્કેલ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોરમાંથી નીકળતું ભૂગર્ભ જળ એટલું બધું ગરમ હતું કે તેને અડકવું પણ મુશ્કેલ હતું. આ પાણીનો સ્પર્શ થતાં પ્લાસ્ટિકની વસ્તુઓ પીગળી જતી હતી, જે ભૂગર્ભ જળનું તાપમાન અત્યંત ઊંચું હોવાનો સંકેત આપે છે. આ અસામાન્ય ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા અને ગભરાટ ફેલાયો હતો. તુરંત જ તંત્ર અને સ્થાનિકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસનો વિષય બન્યો
સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક મોટરને બોરમાંથી બહાર કાઢીને બોર બંધ કરી દીધો હતો. ભૂગર્ભ જળ તરીકે નીકળતા પાણીનું આ રીતે અચાનક ગરમ થવું, તે ભૂસ્તરીય વિજ્ઞાન અને જળ સંસાધન ક્ષેત્રે હાલ એક ગંભીર તપાસનો વિષય બની ગયો છે.
ભૂગર્ભમાં કોઈ ભૂસ્તરીય કે રાસાયણિક પ્રક્રિયાને કારણે આ ગરમી ઉત્પન્ન થઈ છે કે કેમ, તે જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા ઝડપથી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

