સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં અડચણ, બિલ્ડીંગ સુધી નથી પહોંચતી ફાયરની ગાડીઓ

સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. ગઈકાલે લાગેલી આગમાં એકનું મોત થયું હતું. ત્યારબાદ આજે ફરી ભભૂકેલી આગથી અફડાતફડી મચી ગઈ છે. જો કે,આગ પર કાબુ મેળવવામાં પાલિકાના ફાયરબ્રિગેડને અડચણ નડી રહી છે. બિલ્ડીંગ સુધી ફાયરની ગાડીઓ ગેરકાયદે ઉભા કરાયેલા સ્ટ્રક્ચરના કારણે પહોંચી શકતી નથી.
પાણીનો મારો ચલાવાયો
શિવશક્તિ માર્કેટની ગંભીર ચૂક સામે આવી છે. જે અંગે લાઈટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું કે, માર્કેટમાં ફાયરની ગાડીને જવા માટે કોઈ જ રસ્તો નથી. પાર્કિંગની જગ્યા પર લોખંડના એંગલ લગાવી દેવામાં આવ્યા છે. ફાયરના જવાનો અન્ય માર્કેટમાંથી સીડી દ્વારા પાણીનો મારો ચલાવી રહ્યા છે. જેથી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.
તપાસ કરાશે
પાર્કિંગની જગ્યા પર એંગલ લગાવી દેતા ગંભીર બેદરકારી માર્કેટની જોવા મળી રહી છે. NOC કોના દ્વારા આપવામાં આવી છે. તે અંગેના સવાલો ઉભા થયા છે. ત્યારે આગ પૂર્ણ થયાં બાદ પાલિકા કમિશનર સાથે મિટિંગ કરી માર્કેટ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે તેમ ચેરમેન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.

