સુરતમાં વોશિંગ મશીનમાંથી ધડાકાભેર છઠ્ઠા માળે ઘરમાં લાગી આગ, NRI યુવતીનો સહારો બન્યુ ACનું કમ્પ્રેશર

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નાનપુરા વિસ્તારમાં આવેલા પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લેટમાં આગ લાગી ત્યારે એક લંડનથી આવેલી એનઆરઆઈ યુવતી હાજર હતી. જેથી તેણી આગથી બચવા માટે બારીમાંથી બહાર નીકળી એસીના કમ્પ્રેશર પર ઉભી રહી ગઈ હતી.. ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી યુવતીનું રેસ્ક્યૂ કર્યું હતું.
મશીનથી યુવતીને ઉતારાઈ
નાનપુરા વિસ્તારમાં નાવડીઓ વાળા રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે મૂર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમતતુલા મુકાદમ મૂર્તુજાના ઘરે આવી હતી. અહમત ફ્લેટમાં એકલી હતી. દરમિયાન 11.27 કલાકે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું. વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મુકેલા હતા જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહમત બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની છ જેટલી ગાડીઓ, એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે દોડી ગયા હતા.
કબાટ સળગીને ખાક
ફ્લેટમાં આગના પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત ચાર જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને ફ્લેટ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ આગ પર થોડો કાબુ મેળવીને પહેલા યુવતીને રેસ્ક્યુ કરીને દાદરથી નીચે ઉતારવામાં આવી હતી. પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે જ રેસ્ક્યૂ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફ્લેટમાં લાગેલી આગના પગલે લાકડાના કબાટ વોશિંગ મશીન સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલા સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું છે. ફ્લેટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

