સુરતમાં વૃધ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, 8 દિવસ સુધી ધાકધમકી આપી ઠગોએ પડાવ્યા 1.71 કરોડ

સુરતના વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. વેસુમાં ટીએમટી સ્કૂલ પાસેની સોસાયટીમાં રહેતા અને ઇલેકટ્રીકલ રિપેરીંગનો મોટાપાયે વેપાર કરતા 61 વર્ષીય વૃધ્ધને 8 દિવસ સુધી ડિઝીટલ એરેસ્ટનો શિકાર બનાવી ઠગ ટોળકીએ 1.71 કરોડની રકમ પડાવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વૃધ્ધે પાડી લીધેલા સ્ક્રીનશોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ખેડા : રધવાણજ ગામે મંદિરની તલવારથી હુમલો કરી 24 વર્ષીય યુવાનની જાહેરમાં હત્યા
1930 પર સંપર્ક કર્યો
રોજે રોજ રૂપિયા માગવામાં આવતાં હતાં. નવમાં દિવસે વૃધ્ધએ વધુ 28 લાખની રકમ આરટીજીએસ કરવા પહેલા યુ-ટ્યુબ પર સાયબર ડિઝીટલ ફ્રોડનો વીડિયો જોયો હતો. જેથી તેઓને ચીટીંગ ખબર પડી હતી. તાત્કાલિક વૃધ્ધે સાયબર ક્રાઇમની હેલ્પલાઇનના નંબર 1930 પર ફરિયાદ કરી હતી. વૃધ્ધને શરૂઆતમાં ટ્રાય વિભાગમાંથી બોલતા હોવાનું કહી તમારા આધાર કાર્ડ પર બે સીમ કાર્ડ એક્ટિવ થયેલા છે અને તમારા નામે બેંક ખાતુ છે. જેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયેલા છે. જે નરેશ ગોયેલ મની લોન્ડરીંગ અને ફ્રોડમાં ઉપયોગ થયેલા છે.
સતત અપડેટ લેતા હતા
ઠગ ટોળકીએ વૃધ્ધને કહ્યું કે તમારે દર બે કલાકે અમને રિપોર્ટીંગનું કરવાનું રહેશે. સાથે સવારે ગુડ મોનીંગ અને રાત્રે ગુડ નાઇટનો મેસેજ કરવાનો રહેશે. સાથે વૃધ્ધને કુટુંબના સભ્યોની સંખ્યા અને બેંકમાં કેટલું બેલેન્સ તેમજ મિલકતો બાબતે વાત કરી હતી.આવી જ રીતે આરબીઆઈનો લેટર મોકલ્યો અને તેમાં 17 ફરિયાદો અને સુપ્રીમ કોર્ટમાં 2 વોરંટ ઇશ્યુ થયેલા છે. બીજુ વોરંટ જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી સંપતિ અને બેંકખાતું ફ્રીઝ કરાશે અને તમને જેલમાં મોકલવામાં આવશે. પછી ઠગ ટોળકીએ પૈસા પડાવવા ઓપ્શન આપ્યો હતો.
મરણમૂડી ગૂમાવી
મહેનત-મજૂરી કરીને કમાયેલી કરોડોની રકમ માત્ર 8 દિવસમાં ગુમાવી દીધી હતી. 25-30 વર્ષ પહેલા વૃધ્ધએ શેરબજારમાં મોટું રોકાણ કર્યુ હતું. જીવનભરની જમા કરેલી રકમ ઠગ ટોળકીએ પડાવી લીધી હતી.મુંબઈના સ્ટેમ્પ વાળા લેટર પર સીબીઆઈના એગ્રીમેન્ટમાં ચાર શરતો લખી હતી. જેમાં આ કેસ વિશે કોઈને જાણ કરીશ તો આઈપીસીનો ગુનો નોંધવામાં આવશે, સાથે રહેઠાણ કે દેશ છોડી શકાશે નહિ, અન્યથા ભાગેડુ જાહેર કરાશે, અમારા નાણાકીય એકાઉન્ટ ફ્રીઝ કરી રાજ્ય સરકારને સોંપવા બંધાયેલ છે. આવો જ બીજો લેટર મોકલ્યો જેમાં નરેશ ગોયેલ સામે ફ્રોડનો સીબીઆઈમાં 6.8 કરોડનું કેસ દાખલ છે. જેમાં 6 સપ્ટેમ્બરે 247 બેંક ખાતા અને અન્ય સંચારના સાધનો કબજે કરવામાં આવેલા છે. ચાર શરતો સાથે વૃધ્ધને એવી ચીમકી આપી કે જો આ રકમ રિકવરી ન થાય તો અને તમે કોઈને જાણકારી આપી ગુપ્તાનો ભંગ કરશો તો મોતની સજા થશે એમ કહ્યું હતું.

