Surat: ગોડાદરાની હોટેલના રૂમમાં તબીબનો આપઘાત, પત્ની સાથેના કંકાસની આશંકા

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક હોમિયોપેથી તબીબે હોટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. ડોક્ટરે એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
એનેસ્થેસિયાનું ઈન્જેક્શન મારી આત્મહત્યા
મૃતક તબીબની ઓળખ ભાવેશ ક્વાડ તરીકે થઈ છે. ભાવેશે ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટેલના રૂમમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પત્ની સાથેના ઘર કંકાસમાં પગલું ભર્યું હોવાની આશંકા
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, ભાવેશે પત્ની સાથેના ઘર કંકાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા છે. મૃતક તબીબના લગ્ન માત્ર બે વર્ષ પહેલાં જ થયા હતા.
રૂમમાંથી મળી સુસાઇડ નોટ
ઘટનાસ્થળ પરથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ નોટમાં ભાવેશે અમદાવાદમાં રહેતી પોતાની પત્ની વિશે ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જે આત્મહત્યા પાછળના પારિવારિક કારણો તરફ ઈશારો કરે છે.
ગોડાદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુસાઇડ નોટના આધારે અને પરિવારજનોની પૂછપરછ દ્વારા આપઘાતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

