VIDEO: સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી ઠગાઈનો પ્રયાસ: સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ!
સુરતમાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી લોકો સાથે સાયબર ઠગાઈ આચરવાનો મોટો કારસો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઓલ્ડ કોઈન કંપની નામનું આઈડી બનાવી જૂના સિક્કા ઊંચા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત સાથે સાંસદના બોગસ અવાજમાં પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા ૧,૫૦૦ UPIથી ટ્રાન્સફર કરાવવાનો ખેલ રચાયો હતો. એસઆરકે કંપનીના નિવૃત્ત ડીવાયએસપી આર.જી. જાડેજાએ શંકાસ્પદ નંબર પર ક્રોસ ચેકિંગ કરતાં જ આ સમગ્ર સાયબર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સાંસદના પર્સનલ સેક્રેટરી ભાવેશકુમાર લાઠીયાની સત્તાવાર ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

