સમય અને પૈસા બંને બરબાદ! ઘોઘાથી Surat આવતી Ro-Ro ફેરીમાં મોડી પડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો!

ઘોઘાથી સુરત આવતી રો-રો ફેરી (Ro-Ro Ferry) માં મોડી રાત્રે ભારે બબાલ થઈ હતી. ફેરીના સમયમાં અવારનવાર ફેરફાર થતા અને સ્પષ્ટ જવાબ ન મળતા મુસાફરો રોષે ભરાયા હતા અને પોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
સામાન્ય રીતે, આ રો-રો ફેરી રાત્રે 8.30 વાગ્યે સુરત પોર્ટ પર પહોંચતી હોય છે. જોકે, ગત ગુરુવારે ફેરી બંધ થઈ જવાના કારણે પોર્ટ પર હાજર કર્મચારીઓએ શરૂઆતમાં 9.30 વાગ્યે ફેરી ઉપાડવાની જાહેરાત કરી હતી.
પરંતુ, ત્યારબાદ સમય પર સમય મુસાફરોને આપવામાં આવતો રહ્યો. ક્યારેક 'ફાયરની ટીમ આવે છે' તો ક્યારેક 'અલગ-અલગ બહાના' બતાવીને કર્મચારીઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. સમય વીતતો ગયો અને મુસાફરોનો આક્રોશ વધતો ગયો. આ દરમિયાન, વિવાદ વધતા કર્મચારીઓ પણ રો-રો ફેરીમાં છુપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
મુસાફરોને હાલાકી
સમયસર ફેરી શરૂ ન થવાના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરોએ તો સમયસર સુરત ન પહોંચી શકવાના કારણે તેમની ફ્લાઇટની ટિકિટ પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી.
આખરે, મોડી રાત્રે 11.45 વાગ્યે રો-રો ફેરી શરૂ થઈ હતી અને મુસાફરોને 12.30 વાગ્યે સુરત પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. ફેરી મોડી પડતા મુસાફરોએ સમય અને નાણાં બંને ગુમાવવાનો વારો આવ્યો હતો.

