છઠ પૂજા: ગુજરાતથી ઉત્તરપ્રદેશ-બિહાર માટે 36 વિશેષ ટ્રેનો દોડાવાશે, 10 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ

છઠ પૂજાના મહાપર્વને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા અને તેમને તેમના વતન પહોંચાડવા માટે ગુજરાતમાં વિશેષ તૈયારીઓ કરી છે. રેલવે વિભાગે ગુજરાતમાંથી કુલ 36 જેટલી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી છે, જે મોટા ભાગે બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જશે.
એક લાખથી વધુ મુસાફરો
રેલવેના આંકડા મુજબ, અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 1 લાખ કરતાં વધુ મુસાફરોને બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ મોકલવામાં આવ્યા છે. આ તહેવારી મોસમમાં દેશભરમાં કુલ 12000 કરતાં વધુ વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના છે, જેમાંથી છઠ પૂજા માટે આગામી 5 દિવસમાં 1500 વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના છે. આ આંકડો છેલ્લા 10 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ છે. કેન્દ્રીય સ્તરે હજુ પણ વધારાની ટ્રેનોની માંગ કરવામાં આવી છે.
ઉધના સ્ટેશન પર ભારે ટ્રાફિક
સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટ કાર્ય ચાલુ હોવાથી, મુસાફરોનો ધસારો નજીકના ઉધના રેલવે સ્ટેશન તરફ વળ્યો છે, જ્યાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ અંગે રેલવેના જનરલ મેનેજરે નિવેદન આપ્યું હતું. મુસાફરોની સુવિધા માટે વલસાડ અને વાપી રેલવે સ્ટેશનો પર પણ બિહાર જવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે, જેથી મુસાફરોને વધુ જગ્યા મળી રહે.
સુરક્ષા માટે થ્રી-ટાયર સિસ્ટમ
રેલવે સ્ટેશનો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સુરક્ષા માટે ત્રણ સ્તરીય CCTV વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે અને રેલવે પોલીસની કડક નજર છે. રેલવે પોલીસ, સ્ટેશન વહીવટ, ઝોનલ અધિકારીઓ અને રેલવે બોર્ડ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
મુસાફરો માટે રેલવેની સલાહ
રેલવે વિભાગે મુસાફરોને સલાહ આપી છે કે IRCTC વેબસાઇટ અથવા એપ પરથી અગાઉથી બુકિંગ કરાવી લે અને સ્ટેશન પર વહેલા પહોંચે.

